Friday, April 9, 2010

રમતો જોગી યોગીજી મહારાજ


ઝીણો નામ બદલીને સદ્ગુરુએ સ્વામી જ્ઞાનજીવનદાસ નામ રાખ્યું. સ્વામી જ્ઞાનજીવનદાસજીએ જ્ઞાનનો પોતીકો અર્થ હૃદયસ્થ કર્યો: જ્ઞાન એટલે ભક્તિ, સેવા, જનસેવા. જ્ઞાન એટલે આડે માર્ગે ભટકીને મનખા અવતારને વેડફી દેનારાને સુખી કરવા.
‘હીંગોળગઢ’ની રળિયામણી ટેકરીએ ઊભેલા બંગલાના પડાળ, બારી, બારણાં અને આંગણાની રળિયાતને ગજવે નાખીને પ્રભાતી સૂરજનાં કિરણો ગઢનાં પગથિયાં ઊતર્યા. ત્યારે એના સોનેરી ઉજાસમાં પરસ્પર વિરોધી ગણાય એવાં બે ચિત્રો દોરાઇ ગયાં : એકમાં ભૌતિક સંપદા, સત્તા, ગર્વ, અકડાઇ અને કઠોરતાના છાંટા ઊડતા હતા. બીજામાં ભૌતિકતાનો સર્વસ્વત્યાગ, વૈરાગ્ય, ઋજુતા અને સાધુતાનો ભગવો પ્રતાપ ખળખળ હસતો હતો.
એક ચિત્ર ઉગમણેથી આવ્યું. બીજું હીંગોળગઢની ટેકરી ઊતરીને સડક પર આવ્યું. બેય બાજુના ઢોળાવની મઘ્યમાં બંને ચિત્રો આમને સામને થઇ ગયાં.
‘અહો! આ તો હકાભાઇ ખાચરના ભાણેજના ગુરુ, યોગીજી મહારાજ, ધન ભાગ્ય! મારા પાંચાળને પવિત્ર કર્યો.’ રાજવી ખોળિયું હરખાયું : ‘જય સ્વામિનારાયણ યોગીજી મહારાજ!’
‘જય સ્વામિનારાયણ, દરબાર આલા ખાચર’ તપસ્વી ખોળિયું પ્રસન્નતા પામ્યું.
‘જય સ્વામિનારાયણ’ સાથે વંદન નમન થયાં. રાજીપાનાં ફૂલડાં ખીલ્યાં સ્વામીજી. જસદણના દરબાર ગઢમાં પગલાં કરીને ભૂમિને પાવન કરો. અમને સત્સંગનો લાભ આપો.’ દરબાર બોલ્યા.
‘હાલો બાપા!’ હરિનામ અને સત્સંગ માટે પાંચાળનાં ગામડાં ભમું છું.’
અને કાઠિયાવાડના રાજાઓને ન મળે એવા માન-સન્માન ગેરુઆ રંગને મળ્યાં. સત્સંગ થતા થતા સાંજ ઢળી. સંઘ્યારાણીએ યોગીજી મહારાજને જોઇને મરકલડા વેર્યા અને કેસરી પૂઠાની ડાયરી ઉઘાડી. ડાયરીના પાને વર્ષો પૂર્વેની નોંધ હતી.
ઢળતી સંઘ્યાએ પુત્ર ઝીણાની જનેતા, બાઇ પૂરી, પાણિયારે પાણી પીતાં પીતાં ભીના અંતરે દીકરાને યાદ કરતી હતી.
પતિ દેવચંદભાઇ ઠક્કર, શાંતપણે સાંભળતા હતા. ખેતમજૂરી કરીને ઘેર આવેલાં પૂરીબાઇ ઝીણું ઝીણું વલવલતાં હતાં. ‘પાણિયારે આવું છું અને દીકરો ઝીણો યાદ આવી જાય છે.’
‘જીવ બાળ્યમાં, દીકરો નસીબદાર ખાતાનો જીવ હતો.’ પતિ આશ્વાસન આપે છે. ‘સમજણો થયો ત્યારથી ધર્મ, સેવા એના હાડમાં હતાં. પ્રભુભજન અને પરની સેવા એનો સથવારો હતાં. ગામનાં છોકરાં ગોંદરે રખડતાં હોય એવા સંઘ્યાટાણે આપણો ઝીણો સ્વામિનારાયણ મંદિરમાં હરખતે મોઢે હાજર થઇ જતો. ધૂન-ભજન કરીને સાધુઓની સેવા કરતો. એનું મન સંસારમાં હતું જ નૈ આપણને વારેવારે કહેતો કે મારે સંસારમાં રહેવું નથી.’
પળ પછી પતિ ઉમેરે છે ‘માન કે ઝીણો સાધુ ન થયો હોત તો આપણા ભૂખડી આંગણે કરત પણ શું? નહીં જેવી મારી દૂબળી હાટડીમાં પૂરું નથી થતું તેથી તારે ખેતમજૂરી કરવી પડે છે. ઝીણાને શું ભણાવત? ક્યાં પરણાવત? ક્યાં ગોઠવત? હવે તો ઝીણો ભણશે. ગણશે. શાસ્ત્રી થાશે. કરશે ભગવાન તો ઝીણો સાધુતાની ઊંચાઇએ પોગીને મારું, તારું અને ધારીનું નામ ઉજાળશે.’
‘વાત તો સાચી’ પૂરીબાઇ આંસુ લૂછીને રસોડે જતાં બોલતાં ‘મારો ભગવાન મારા દીકરાનો અવતાર ઉજાળે. મારા આશીર્વાદ.’ બીજું શું બોલું?’
માતા પૂરીબાઇની અંતરેરછાને કાન દઇને સાંભળતા શ્રીજી મહારાજે ધારીના લુહાણાના દીકરા ઝીણા ભગતનો હાથ ઝાલ્યો. પ્રભુસેવા અને જનસેવાને કાયમ રટતો ઝીણો, સોળની ઉંમરે જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં એકાકાર થઇ ગયો. ત્રણ વરસના ગાળામાં ઝીણો જ્ઞાન, ભક્તિએ ઊટકાઇ, મંજાઇને ઝળાંહળાં થઇ ગયો.
ઓગણીસ વર્ષની અવસ્થાએ વડતાલમાં દીક્ષા લીધી, ભગવા રંગની ઝાંયમાં ઝીણો ભગત ધીરજ, ધારણા અને આસ્થાની ઊંચાઇએ ઊભો રહ્યો. ઝીણો નામ બદલીને સદ્ગુરુએ સ્વામી જ્ઞાનજીવનદાસ નામ રાખ્યું. સ્વામી જ્ઞાનજીવનદાસજીએ જ્ઞાનનો પોતીકો અર્થ હૃદયસ્થ કર્યો: જ્ઞાન એટલે ભક્તિ, સંત, સેવા, જનસેવા.
જ્ઞાન એટલે અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનનો દીવો પ્રગટાવવો. જ્ઞાન એટલે ગરીબો, વંચિતો પછાતોને પોતાનાં કરીને ધર્મના આશરે ઊભા રાખવા. જ્ઞાન એટલે આડે માર્ગે ભટકીને મનખા અવતારને વેડફી દેનારાને સુખી કરવા.
વાતને વ્રતનું સ્વરૂપ આપીને જ્ઞાનજીવનદાસજી સતત વિચરણ કરતા રહ્યા. ક્યાંક ગાડામાં, ક્યાંક ગાડીમાં, ક્યાંક ઊટ-ગાડે, ક્યાંક પગપાળા ઊડાણનાં ગામડાઓના વાડકાંટામાં સોરાતા રહ્યા. કોઇના પાદરમાં, કોઇના ઝૂંપડામાં તો કોઇના દરબારગઢમાં જ્ઞાન જીવનની સાધુતા ભમતી રહી.
ક્યાંક ભાતભાતનાં ભોજન તો ક્યાંક સુક્કો રોટલો અને છાશ. ક્યાંક તો સાવ દાતણો દાતણ (ભૂખ્યા) એક જ રઢ. ‘હરિ ભજો, અપલક્ષણ તજો, વ્યસનો છોડો, ચિતને પ્રભુમાં જોડો.’ સંતની એકધારી યોગી સમી સેવાથી લોકોએ નામ પાડ્યું યોગીજી મહારાજ. એવા સંતને દરબાર આલા ખાચર આદરપૂર્વક દરબારમાં તેડી ગયા.
સત્સંગની હેલી મંડાણી. દરબારે અઘરા પ્રશ્નોના ઉકેલ માગ્યા. યોગીજી મહારાજે સાવ સરળ વાણીમાં એના ઉકેલ ચીંઘ્યા. કડવા અને કઠોર રાજવહીવટના તાપને સથર્યો કરીને શીતળતા આપે એવી અમૃતવાણીની દરબારને અપેક્ષા હતી. તો યોગીજી મહારાજને રાજવીપણામાં ધર્મ, દયા, કરુણા ભળે એવી આંતરિક ઇચ્છા હતી.
દરબાર ઇચ્છે તો યોગીજી મહારાજ સારી શિખામણનાં બે વેણ ગાંઠે બંધાવવા તત્પર હતા. આ બે વેણમાં એક વેણ હતું રાજવી દ્વારા થતી આકરી શિક્ષાનું ઉદારીકરણ કે જેમાં ગુનો કરનારની પગની ઘૂંટીઓ ભાંગવામાં આવતી.
જિંદગીભર અપંગ બનીને યાતનાના ઊહકારા ભણનાર ગુનેગારને પીડામાંથી રાહત મળે. બીજું વેણ હતું દરબારનું સિગારેટનું હરેડ બંધાણ. યોગીજી મહારાજ આ પળોને ચિંતવતા હતા કે દરબારે પોતાની મહેરછા વ્યક્ત કરી ‘સ્વામી! મારી એક ઇચ્છા છે જો આપ હા પાડો તો વાત કરું.’
‘દરબાર! આપ ચોરાસી ગામના ધણી છો. જ્યારે હું તો માત્ર શ્રીજી મહારાજનો ટપાલી છું. સાધુતાના પંથમાં આવતી હોય એવી કોઇ પણ ઇચ્છા ખુશીથી કહી શકો છો.’
‘સ્વામી! મારે આપની સાથે તસવીર લેવડાવવી છે.’ દરબાર બોલ્યા ‘બનશે?’
‘હા બાપા! ખુશીથી બનશે.’ યોગીજી મીઠું મરક્યા. ‘મારે પણ આપની પાસે કંઇક માગવાનું છે. હું ત્યાગી છું, માટે ગામ, ગિરાસ કે ધનસંપત્તિ નહીં માગું એટલું યાદ રાખજો.’
‘બોલો, મહારાજ.’
‘આપ સિગારેટ બહુ પીઓ છો. વ્યસનથી સ્વસ્થતા જોખમાય છે દરબાર! રાજા પળે પળે સ્વસ્થ હોવો જોઇએ.’
‘સમજું છું બાપા! પણ વ્યસન છૂટતું નથી.’
‘ભગવાન રાજી થાશે એટલે છૂટી જાશે.’
અને એ જ પળે દરબાર આલા ખાચરે સિગારેટના પાકીટનો ઘા કર્યો. ‘આ પળેથી સિગારેટ બંધ હાંઉને સ્વામી?’ પણ પછી કહ્યું, ‘બીજું કાંઇ?’
‘હું આપને ફરજ પાડી શકું નહીં પણ આપના વહીવટમાં શિક્ષાનું પ્રમાણ ઘણું યાતનામય છે.’
‘હા સ્વામી જસદણ રાજની એ પરંપરા રહી છે. માણસ ફરીવાર ગુનો ન કરે અને જોનાર થથરી જાય એવી શિક્ષા કરવી.’
‘બીજી કોઇ સજા કરશો પણ આખી જિંદગી માણસ કણસ્યા કરે એવી કરપીણ સજા ન કરજો દરબાર! માણસ પળનો ગુલામ છે. કોઇ એકાદ પળ હેવાનને માણસ બનાવે છે અને માણસને હેવાન!’
‘આજથી એવી સજા પણ બંધ.’ દરબારે ખાતરી આપી. ‘હવે?’
‘હવે અમે તૈયાર છીએ તસવીર આપવા.’ કહીને યોગીજી મહારાજ ઊભા થયા. ‘આપને ગમે તે રીતે તસવીર પડાવો અમે આ ઊભા.’
યોગીજી મહારાજ દરબાર આલા ખાચરની બાજુમાં ગોઠવાયા.
કેમેરાની ચેમ્બર ખોલાણી ત્યારે ગુપ્ત રહેનારો કાળો કચકડો આજની ધન્ય પળોને ચિત્રિત કરવા ઉજાસી ઊઠ્યો.’
(નોંધ : આ વાત જસદણના મોટા આલા ખાચર પછીની ત્રીજી પેઢીએ જન્મેલા બીજા આલા ખાચરની હોવાનું કહેવાય છે.)